રાજ્યભરમાં વરસાદનું જોર યથાવત
ગુજરાતમાં ચોમાસું હજુ પણ જોરદાર રીતે સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને મહેસાણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારમાં પણ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
કપરાડામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના ઓગડમાં 3.86 ઇંચ અને નવસારીના ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 55 તાલુકામાં એક ઇંચથી વધુ અને 18 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

