દિવાળીએ દીવા સાથે હટડીનું પણ વિશેષ મહત્ત્વ

દિવાળી આવે એટલે ઘરોમાં દીવાઓની રોશની, રંગોળી અને લક્ષ્મીપૂજનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. પરંતુ અમદાવાદના સિંધી સમાજમાં દિવાળીની ઉજવણી સાથે એક અનોખી પરંપરા પણ જોડાયેલી છે. અહીં ધંધા-રોજગારમાં બરકત અને પરિવારમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે માટીની નાની દુકાન જેવી દેખાતી 'હટડી'ની પૂજા કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ સિંધી સમાજની સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતીક છે.

શું છે હટડી અને તેનું મહત્ત્વ?

સિંધી ભાષામાં 'હટ'નો અર્થ દુકાન અથવા વેપારનું સ્થળ થાય છે. હટડી એટલે નાની દુકાન કે ઘર જેવું માટીનું માળખું, જેને વેપાર અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માટી અને વાંસની લાકડીઓથી તૈયાર થતી આ હટડીને વિશેષ આકાર આપવામાં આવે છે. તેમાં દીવો પ્રગટાવવા તેમજ ભગવાનની મૂર્તિ કે છબી સ્થાપિત કરવા માટે જગ્યા બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને રંગબેરંગી રંગોથી સજાવવામાં આવે છે.

પરિવારના દરેક પુરુષના નામની અલગ હટડી

આ પરંપરાની સૌથી વિશેષ વાત એ છે કે સિંધી પરિવારમાં નાના બાળકથી લઈને વડીલ સુધીના દરેક પુરુષ સભ્યના નામની અલગ હટડી રાખવામાં આવે છે. પરિવારના સભ્યોની સંખ્યા પ્રમાણે હટડીઓ તૈયાર કરવામાં આવે છે. દિવાળીના દિવસે આ હટડીમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરીને દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ ધૂપ-દીપ અને મીઠાઈ અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પૂજા કરવામાં આવે છે.

'લક્ષ્મી આઈ, દાનત વાઈ'ની અનોખી માન્યતા

સિંધી સમાજમાં હટડી પૂજા સાથે એક વિશેષ પરંપરા પણ જોડાયેલી છે. પૂજા દરમિયાન લક્ષ્મીજી પાસે ધંધા-રોજગારમાં બરકત અને પરિવારમાં સુખ-શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. પૂજા બાદ સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની પરંપરા છે. આ દરમિયાન 'લક્ષ્મી આઈ, દાનત વાઈ' એટલે કે લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ, તેવા ભાવ સાથે પ્રાર્થના કરવામાં આવે છે. આ પૂજાની પરંપરા દિવાળીથી લાભ પાંચમ સુધી ચાલે છે.

બે મહિનાની મહેનત, છતાં માત્ર 30થી 40 રૂપિયામાં વેચાણ

આ હટડીઓ તૈયાર કરવા માટે અમદાવાદના નરોડા વિસ્તારમાં કારીગરો છેલ્લા બે મહિનાથી મહેનત કરી રહ્યા છે. માટીને આકાર આપવો, વાંસની લાકડીઓ ગોઠવવી અને ત્યારબાદ રંગોથી સજાવટ કરવી જેવી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ એક હટડી તૈયાર થાય છે. અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સૌરાબજી કમ્પાઉન્ડ સહિતના વિસ્તારોમાં તેનું વેચાણ થાય છે. જોકે, બે મહિનાની મહેનત બાદ પણ એક હટડી માત્ર 30થી 40 રૂપિયામાં વેચાતી હોવાથી કારીગરોને યોગ્ય મહેનતાણું ન મળવાની વેદના પણ સામે આવી રહી છે.