હવે બસની સફરમાં પણ મળશે અનોખો નજારો

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં એક નવીન પહેલ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાનગર ખાતે દેશની પ્રથમ અત્યાધુનિક AC વિસ્ટાડોમ બસ સેવા શરૂ કરવામાં આવી છે. 2 નવેમ્બરથી શરૂ થયેલી આ સેવામાં મુસાફરો પારદર્શક છતવાળી બસમાં બેસીને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરી શકશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાંચ બસોમાંથી હાલ બે બસ મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે.

પારદર્શક છતથી ખુલ્લા આકાશનો નજારો

આ વિસ્ટાડોમ બસની સૌથી મોટી ખાસિયત તેની ટ્રાન્સપરન્ટ સ્કાય-વ્યૂ રૂફ છે. એટલે કે મુસાફરો AC કેબિનમાં આરામથી બેઠા હોય ત્યારે પણ બસની પારદર્શક છતમાંથી ખુલ્લું આકાશ અને આસપાસના કુદરતી નજારા જોઈ શકશે. એક બસની કિંમત અંદાજે 2.19 કરોડ રૂપિયા છે. બસમાં 23 રિવોલ્વિંગ અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ આપવામાં આવી છે, જે 360 ડિગ્રી ફરી શકે છે.

લક્ઝરી સુવિધાઓથી સજ્જ બસ

મુસાફરોની સુવિધા માટે બસમાં પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસ અને CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

બસ પર ગુજરાતનાં પ્રવાસન સ્થળોની ઝલક

બસની બહારની ડિઝાઇન પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેની બોડી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ, દ્વારકા, ગીર, અડાલજની વાવ, ધોરડો, તરણેતર અને વિજય વિલાસ પેલેસ સહિતનાં પ્રવાસન સ્થળોનાં ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યાં છે. આ રીતે બસ પોતે પણ ગુજરાતના પ્રવાસન સ્થળોની ઓળખ કરાવતું માધ્યમ બની રહેશે.

રણોત્સવમાં પણ મળશે વિસ્ટાડોમ બસનો લાભ

હાલમાં બે બસો શરૂ કરવામાં આવી છે, જ્યારે આગામી બે મહિનામાં વધુ ત્રણ બસો સેવામાં મૂકવાનું આયોજન છે. આ ત્રણ બસો કચ્છના રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આગામી તબક્કામાં રાજ્યનાં અન્ય હેરિટેજ રૂટ પર પણ આવી સેવા શરૂ કરવાની યોજના છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટનું ઓનલાઇન બુકિંગ કરાવી શકશે.