ચાંદીના વરખના નામે નકલી માલનું વેચાણ
તહેવારો હોય કે લગ્ન પ્રસંગ, મીઠાઈ અને બિસ્કિટ પર ચમકતો ચાંદીનો વરખ જોઈને લોકો તેને શુદ્ધ ચાંદીનો સમજીને ખાય છે. પરંતુ અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતા ચાંદીના વરખના નામે ડુપ્લિકેટ વરખનું વેચાણ થતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કાલુપુર વિસ્તારમાં કોર્પોરેશનના હેલ્થ ફૂડ વિભાગે તપાસ કરતાં નકલી હોવાની શંકા ધરાવતા 170 પેકેટ વરખ મળી આવ્યા છે. કુલ 42,500 રૂપિયાની કિંમતનો આ જથ્થો સ્થગિત કરીને સંબંધિત એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
બિસ્કિટના રેપિડ ટેસ્ટથી ખુલ્યો ભાંડો
આ સમગ્ર મામલો મેમ્કો વિસ્તારમાં આવેલી એક લારી પર વરખ લગાવેલા બિસ્કિટના રેપિડ ટેસ્ટથી સામે આવ્યો હતો. કોર્પોરેશનના ફૂડ વિભાગે રેપિડ ટેસ્ટ કિટની મદદથી તપાસ કરતાં બિસ્કિટ પર લગાવવામાં આવેલો વરખ પ્રાથમિક રીતે ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. ત્યારબાદ વધુ તપાસ કરતાં આ વરખ કાલુપુર વિસ્તારમાં આવેલા એકમમાંથી વેચાતો હોવાની માહિતી મળી હતી.
170 પેકેટ, કિંમત 42,500 રૂપિયા
આ માહિતીના આધારે અધિકારીઓએ ડમી ગ્રાહક મારફતે કાલુપુરના વેપારી એકમમાં તપાસ હાથ ધરી હતી. અહીં પણ રેપિડ ટેસ્ટમાં વરખ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન કુલ 170 પેકેટ મળી આવ્યા હતા. એક પેકેટમાં 10 પત્તા હતા અને એક પત્તાની કિંમત 25 રૂપિયા પ્રમાણે એક પેકેટના 250 રૂપિયા થાય છે. આમ, સમગ્ર જથ્થાની કિંમત 42,500 રૂપિયા થાય છે. આ વરખ એલ્યુમિનિયમનો હોવાની આશંકા છે, જોકે અંતિમ પુષ્ટિ લેબોરેટરી પરીક્ષણ બાદ જ થશે.
સોનાના વરખના પણ નમૂના લેવાયા
તપાસ દરમિયાન આ જ એકમમાં અસલી સોનાના વરખનું પણ વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. એક પેકેટમાં 10 પત્તા અને પ્રતિ પત્તા 100 રૂપિયા પ્રમાણે તેની કિંમત 1,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ફૂડ વિભાગે સોનાના વરખ સહિત શંકાસ્પદ ચાંદીના વરખના નમૂના લઈને વધુ તપાસ માટે મોકલ્યા છે. જાહેર આરોગ્યના હિતમાં એકમને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ખરીદ-વેચાણના બિલો ન મળતાં સપ્લાય ચેઇન પર તપાસ
તપાસ દરમિયાન વેપારી એકમના સંચાલક પાસે વરખ ક્યાંથી ખરીદવામાં આવતો હતો અને કયા વેપારીઓને વેચવામાં આવતો હતો તેની વિગતો માગવામાં આવી હતી. જોકે, જરૂરી ખરીદ-વેચાણનાં બિલો રજૂ કરવામાં આવ્યાં નહોતાં. આથી નકલી વરખનો જથ્થો ક્યાંથી આવતો હતો અને શહેરમાં કયા કયા વિસ્તારોમાં તેનું વેચાણ થયું છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

