ભારે વરસાદ બાદ રસ્તો ધસી પડ્યો
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તો ધસી પડતા મસમોટો ભૂવો પડ્યો છે. વોર્ડ નંબર-12 ઓફિસ નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. આ દરમિયાન એક નિર્દોષ શ્વાન અચાનક ભૂવામાં ખાબકી જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ફાયરબ્રિગેડે બચાવ્યો શ્વાનનો જીવ
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને શ્વાનને સલામત રીતે ભૂવામાંથી બહાર કાઢ્યું હતું. સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગટર લાઈન તૂટતાં પડ્યો ભૂવો?
પ્રાથમિક માહિતી મુજબ ગટર અથવા પાણીની લાઈન તૂટી જવાના કારણે રસ્તાની નીચેની જમીનનું ધોવાણ થતાં આ ભૂવો પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર કારણ અંગે તંત્ર તરફથી અંતિમ પુષ્ટિ થવાની બાકી છે.
સ્થાનિકોમાં ભારે રોષ
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અકોટા વિસ્તારમાં અગાઉ પણ આવા ભૂવા પડવાની ઘટનાઓ બની ચૂકી છે. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક સમારકામ અને ડ્રેનેજ સિસ્ટમમાં કાયમી સુધારાની માંગ કરી છે.

