વરસાદે ખોલી કામગીરીની પોલ
ભાવનગરમાં વરસાદ શરૂ થતાં જ મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના ચિત્રા રોડ, કાળિયાબીડ, રેલવે સ્ટેશન, કુંભારવાડા અને વાઘાવાડી રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
લાખોનો ખર્ચ છતાં હાલાકી
દર વર્ષે અંદાજે 80 લાખથી એક કરોડ રૂપિયા પ્રિમોન્સુન કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે. તેમ છતાં થોડા સમયના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી.

વિપક્ષે ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ
આ ઘટનાને લઈને વિપક્ષે મહાનગરપાલિકાની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો કે પ્રિમોન્સુન કામગીરીના નામે માત્ર કાગળ પર કામ થયું છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.

કોર્પોરેશનનો બચાવ
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે એકસાથે ભારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે થોડા કલાકોમાં પાણી ઓસરી ગયા હોવાનું તેમણે કહ્યું. તેમ છતાં થોડા વરસાદમાં જ પાણી ભરાવા, રસ્તા તૂટી જવા અને ખાડા પડવાની ઘટનાઓને કારણે કામગીરીની ગુણવત્તા અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

