રેડ એલર્ટ વચ્ચે માનવતાની મિસાલ

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગે ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળતાપૂર્વક પૂર્ણ કરીને અનેક માતા અને નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત રાખ્યા છે. છેલ્લા 72 કલાકમાં 101 સગર્ભા મહિલાઓને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવી, જેમાંથી 25 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

આગોતરા આયોજનથી ટળી મોટી મુશ્કેલી

ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થવાની અને ગામોનો સંપર્ક તૂટી જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આગોતરા આયોજન કર્યું હતું. 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ, 2026 પહેલાં સંભવિત પ્રસૂતિ તારીખ ધરાવતી 142 સગર્ભા મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોખમગ્રસ્ત વિસ્તારોમાં રહેતી 101 મહિલાઓને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી.

WhatsApp Image 2026-08-02 at 1.10.22 AM.jpeg

25 માતા અને નવજાત સંપૂર્ણ સ્વસ્થ

જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવાના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 25 સફળ પ્રસૂતિ નોંધાઈ છે. તેમાં ગરુડેશ્વરમાં 6, નાંદોદમાં 6, ચિકદામાં 5, સાગબારામાં 4, તિલકવાડામાં 3 અને દેડીયાપાડામાં 1 પ્રસૂતિનો સમાવેશ થાય છે. તમામ માતા અને નવજાત શિશુ સંપૂર્ણ સ્વસ્થ છે અને તબીબી દેખરેખ હેઠળ છે.

WhatsApp Image 2026-08-02 at 1.17.31 AM.jpeg

પરિવારજનોએ વ્યક્ત કર્યો આભાર

નાની રાવલ ગામની નયનાબેન તડવીના પરિવારજનોએ જિલ્લા આરોગ્ય તંત્ર અને 108 એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારે વરસાદ વચ્ચે સમયસર હોસ્પિટલ પહોંચાડવાના કારણે સલામત પ્રસૂતિ શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું હતું.