SOGનો મોટો દરોડો

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ પંથકમાં નશાના ગેરકાયદે કારોબાર સામે SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બે અલગ-અલગ સ્થળોએ પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. 6.89 કરોડની કિંમતની 8,000થી વધુ પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મેડિકલ લાયસન્સનો દુરુપયોગનો આરોપ

ચોક્કસ બાતમીના આધારે પોલીસે થરાદના માધવ કોમ્પ્લેક્સમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. અહીંથી અંદાજે રૂ. 6.87 કરોડની કિંમતની 7,400 ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 'સીકોતર મેડિકલ'ના સંચાલક મફાભાઈ રબારી પર મેડિકલ લાયસન્સનો દુરુપયોગ કરીને ડીસાથી દવાઓ મંગાવી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવાનો આરોપ છે.

બીજા સ્થળેથી પણ ગોળીઓ મળી

પોલીસે તપાસ આગળ વધારતા ચોથા નેસડા ગામના વિક્રમ રાજપૂતના ત્યાં પણ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રૂ. 2.64 લાખની કિંમતની 660 ટ્રામાડોલ ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટની તપાસ

SOG હવે આ કેસમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. પોલીસ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પુરાવા એકત્ર કરી રહી છે અને સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે.