કોલાટ પાસે ફરી દીપડાના નિશાન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીના પુરાવા મળતાં ચકચાર મચી છે. કોલાટ ગામ નજીક તાજા પંજાના નિશાન મળી આવ્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા એક મહિનામાં સાણંદ વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળવાની આ ત્રીજી ઘટના છે.

બે કિલોમીટર દૂર ફરી નિશાન

અગાઉ જે સ્થળે દીપડાના પંજાના નિશાન મળી આવ્યા હતા, તે સ્થળથી આશરે 2 કિલોમીટર દૂર ફરીથી નિશાન મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો સક્રિય બની છે અને દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

3થી 4 વર્ષના દીપડાનો અંદાજ

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પંજાના નિશાનના આધારે દીપડો આશરે 3થી 4 વર્ષનો હોવાનો અંદાજ છે. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ચાર સ્થળે પાંજરા ગોઠવાયા

મોટી દેવતી અને કોલાટ ગામ સહિત કુલ ચાર સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ટીમો દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેને વહેલી તકે પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.

ગ્રામજનોમાં ભયનો માહોલ

સાણંદ વિસ્તારમાં વારંવાર દીપડાની હાજરીના પુરાવા મળતાં ગ્રામજનોમાં ભય અને સાવચેતીનો માહોલ છે. વન વિભાગ પણ સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દીપડાને પકડવા માટેની કામગીરી આગળ ધપાવી રહ્યું છે.