સાબરકાંઠામાં મેઘરાજાનું તાંડવ
સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે ભારે તબાહી મચાવી છે. ઈડર, હિંમતનગર, વડાલી અને પ્રાંતિજ સહિતના તાલુકાઓમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઈડરમાં સૌથી વધુ અસર
પ્રાપ્ત માહિતી મુજબ ઈડર અને આસપાસના વિસ્તારોમાં એકસાથે આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હિંમતનગરમાં અંદાજે 1 ઇંચ અને વડાલી તેમજ પ્રાંતિજમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો.
પાણીના પ્રવાહમાં કાર તણાઈ
વરસાદની સૌથી ગંભીર અસર ઈડરના ડેભોલ વિસ્તારમાં જોવા મળી હતી. અહીં પાર્ક કરેલી એક કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ડુંગર પરથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહમાં કાર રમકડાની જેમ વહેતી જોવા મળી હતી. આ ઘટનાના વીડિયો સામે આવતા વરસાદની ભયાનકતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
ઘરોમાં પણ ઘૂસ્યા પાણી
ભારે વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પણ ફરજ પડી હતી.

