રીલના ચક્કરમાં જીવ જોખમમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછા ક્યારેક લોકોને ગંભીર જોખમ લેવા મજબૂર કરી દે છે. જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં રીલ બનાવવાના પ્રયાસમાં એક SUVને તેજ પ્રવાહવાળી સિંધ નદીમાં ઉતારવામાં આવી, પરંતુ થોડા જ સમયમાં સ્ટંટ જોખમી બની ગયો. મહિન્દ્રા Scorpio નદીના પ્રવાહમાં ફસાઈ જતા તેમાં સવાર લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
નદીમાં ઉતારી દીધી Scorpio
વાયરલ થયેલા વીડિયોમાં સિંધ નદીના પાણી વચ્ચે ફસાયેલી Scorpio જોવા મળે છે. અહેવાલો મુજબ આ ઘટના સોનમર્ગના સિંધ રિસોર્ટ્સ નજીક બની હતી. રીલ અથવા વીડિયો બનાવવા માટે વાહનને નદીના પટમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ પાણીનો પ્રવાહ અપેક્ષા કરતાં વધુ જોખમી સાબિત થયો અને SUV આગળ વધી શકી નહોતી.
પોલીસ અને સ્થાનિકોનું રેસ્ક્યૂ
ગાડી નદીની વચ્ચે ફસાઈ જતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. તમામ સવાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને બાદમાં Scorpioને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. અહેવાલો અનુસાર કોઈ જાનહાનિ થઈ નહોતી.
પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા પર ગુસ્સો
પોલીસે નદીમાં વાહન ઉતારીને વીડિયો બનાવવાના પ્રયાસને ગંભીર બેદરકારી ગણાવ્યો છે. કેટલાક અહેવાલો મુજબ આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે પણ યુવકોની ટીકા કરી અને માત્ર રીલ, લાઇક્સ અને વ્યૂઝ માટે આ પ્રકારનું જોખમ લેવાને લઈને સવાલો ઉઠાવ્યા છે

