એકતાનગરમાં ભારતની સંસ્કૃતિનો મહોત્સવ, PM મોદીએ ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા એકતાનગરમાં ‘ભારત પર્વ 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પર્વમાં દેશનાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરાગત વાનગીઓ અને પ્રવાસન સ્થળોની ઝલક જોવા મળશે.

15 નવેમ્બર સુધી દેશની સંસ્કૃતિનો સંગમ

‘ભારત પર્વ’માં દેશનાં અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિશેષતાઓ રજૂ કરવામાં આવશે. અહીં લોકનૃત્યો, પરંપરાગત કલા, હસ્તકલા, સ્થાનિક વાનગીઓ અને પ્રવાસન સ્થળોની માહિતી પ્રવાસીઓને એક જ સ્થળે મળી શકશે. આ આયોજન દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પર્વ 15 નવેમ્બર સુધી ચાલશે.

નર્મદા આરતીમાં પણ સહભાગી થશે PM મોદી

ભારત પર્વના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરમાં આયોજિત અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. તેમના કાર્યક્રમમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા રજૂ થનારી ‘આનંદમઠ’ આધારિત નાટ્યપ્રસ્તુતિનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ તેઓ નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સહભાગી થશે. નર્મદા આરતીનો નિર્ધારિત સમય રાત્રે 8:15થી 8:45 વાગ્યા સુધીનો છે.

31 ઓક્ટોબરે નવી IRCTC હોટેલનું લોકાર્પણ

એકતાનગરના પ્રવાસન માળખાને વધુ મજબૂત બનાવવા માટે રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે નવી IRCTC હોટેલ તૈયાર કરવામાં આવી છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોટેલનું લોકાર્પણ કરવામાં આવશે. આશરે બે એકર વિસ્તારમાં બનેલી આ હોટેલમાં કુલ 127 રૂમની વ્યવસ્થા છે.

પ્રવાસીઓની સુવિધા સાથે રોજગારીની તકો

નવી હોટેલમાં ચાર પ્રકારના રૂમ ઉપરાંત રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ સુવિધા અને સ્વિમિંગ પૂલ જેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીં રોકાણ માટે વધુ એક વિકલ્પ મળશે. હોટેલના સંચાલન, હાઉસકીપિંગ અને ખાણીપીણી સહિતની સેવાઓમાં સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઊભી થવાની અપેક્ષા છે.