ગુજરાતના 19 તાલુકામાં માવઠું: અમરેલીમાં વીજળી પડતાં મહિલાનું મોત, ખેડૂતોની ચિંતા વધી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. અમરેલી, રાજકોટ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. અમરેલીના ખાંભા પંથકમાં ખેતરમાં વીજળી પડતાં એક મહિલાનું મોત થતાં વરસાદી માહોલ વચ્ચે શોકની લાગણી ફેલાઈ છે.
19 તાલુકામાં કમોસમી વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, 30 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના વડિયા તાલુકામાં સૌથી વધુ દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢના વિસાવદર અને ભેંસાણ તેમજ રાજકોટના જેતપુરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદ
અમરેલીના વડિયા, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના જેતપુર, થોરાજી, જામકંડોરણા, ગોંડલ અને ઉપલેટામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ ગીર સોમનાથના કોડીનાર અને ગીર ગઢડામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
ખાંભામાં વીજળી પડતાં મહિલાનું મોત
અમરેલીના ખાંભા ગીર પંથકના ડેડાણ, ચકરાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ખાંભા તાલુકાના સકરાવા ગામે ખેતરમાં વીજળી પડતાં માધીબહેન આતુભાઈ મકવાણાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે મહિલાને ખાંભાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
વડિયા, કુકાવાવ અને બગસરામાં ધોધમાર વરસાદ
વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કુકાવાવ પંથકમાં પણ ભારે વરસાદને કારણે બજારોમાં પાણી વહેતાં થયાં હતાં. બગસરાના સાપર, સુડાવડ, હડાળા, માવજીજવા, પીઠડીયા, ખારી, ડેરી અને પીપરીયા સહિતના ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.
કપાસ અને મગફળીના પાકને નુકસાનની ભીતિ
શિયાળાની સિઝનમાં અચાનક પડેલા માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાક પર કમોસમી વરસાદની માઠી અસર પડી શકે છે. હવે ખેડૂતોની નજર હવામાનની સ્થિતિ અને આગામી દિવસોમાં વરસાદની શક્યતા પર ટકેલી છે.

