સાવરકુંડલામાં ₹13.04 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, અન્ય એક આરોપી ફરાર
અમરેલી જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે. સાવરકુંડલાના જેસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કિયા સેલ્ટોસ કારને અટકાવી તપાસ કરતાં અંદરથી 1,908 બોટલ મળી આવી હતી. LCBએ કારચાલકને ઝડપી લીધો છે, જ્યારે આ હેરાફેરીમાં સંડોવાયેલો અન્ય એક શખસ ફરાર થઈ ગયો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ ₹13.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે LCBનો સપાટો
અમરેલી LCBની ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન જેસર રોડ પરથી કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે જેસર રોડ પર વોચ ગોઠવી કારને અટકાવી હતી. કારની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,908 બોટલો મળી આવી હતી.
કારચાલકની ધરપકડ, અન્યનું નામ ખૂલ્યું
પોલીસે કાર ચલાવી રહેલા તેજસ બકરાણિયા, ઉંમર 28 વર્ષ, રહે. મંગલમ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી ચંદ્રમૌલી સોસાયટીમાં રહેતા પ્રકાશ કાતરિયાનું નામ સામે આવ્યું હતું. જોકે, પ્રકાશ કાતરિયા પોલીસને મળી આવ્યો ન હતો. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દારૂ, કાર અને મોબાઈલ સહિત ₹13 લાખથી વધુનો મુદ્દામાલ
પોલીસે સ્થળ પરથી ₹2,84,148ની કિંમતનો વિદેશી દારૂ, ₹20 હજારના બે મોબાઈલ ફોન અને ₹10 લાખની કિયા સેલ્ટોસ કાર જપ્ત કરી છે. આમ, કુલ ₹13,04,148નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપાયો કેસ
LCBએ ઝડપાયેલા આરોપી અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસને સોંપ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે પોલીસ ફરાર શખસને ઝડપી પાડવા અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ કરી રહી છે.

