બીજા માળે આગથી અફરાતફરી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસ એટલે કે મેગ્નેટ ફ્લોરા બિલ્ડિંગમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ દરમિયાન અંદર ફસાયેલા બે કર્મચારીઓએ જીવ બચાવવા માટે નીચે છલાંગ લગાવી હતી, જ્યારે અન્ય ત્રણ લોકોને ફાયર બ્રિગેડની ટીમે સીડીની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ધુમાડાથી ગૂંગળામણ, કર્મચારીઓમાં નાસભાગ

બિલ્ડિંગના બીજા માળે આગ લાગ્યા બાદ થોડી જ વારમાં ધુમાડો સમગ્ર ફ્લોરમાં ફેલાઈ ગયો હતો. ઓફિસમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. બહાર નીકળવાનો રસ્તો ધુમાડાથી ઘેરાતાં બે કર્મચારીઓએ બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. નીચે હાજર લોકોએ તેમને મદદ કરી તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા.

ફાયર વિભાગે 3 લોકોને સુરક્ષિત બચાવ્યા

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર જવાનોએ એક તરફ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી તરફ સીડી અને રેસ્ક્યૂ સાધનોની મદદથી અંદર ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લીધા બાદ નુકસાન અને આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. બે કર્મચારીઓએ જીવ બચાવવા માટે નીચે છલાંગ લગાવતાં સમગ્ર ઘટનાએ કોર્પોરેટ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે.