રાજકોટમાં વાસી શાકભાજીનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં ઓનલાઈન માધ્યમથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ સામે આરોગ્ય વિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી એપના વેરહાઉસમાંથી 596 કિલો વાસી અને અખાદ્ય શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહી બાદ સંબંધિત સંસ્થાને નોટિસ આપી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

વેરહાઉસમાં મળ્યો 596 કિલો જથ્થો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે ઓનલાઈન ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા Blinkitના વેરહાઉસમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન 596 કિલો વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. વિભાગે કાર્યવાહી કરીને રૂ. 10,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

મસાલાના નમૂના પણ ફેઇલ

આ ઉપરાંત વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી ટ્રેડર્સમાંથી મરચું પાવડર અને ધાણાજીરું પાવડરના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરી પરીક્ષણમાં બંને નમૂના નિષ્ફળ જાહેર થયા હતા. તપાસમાં પ્રતિબંધિત સિન્થેટિક કલરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

48 પેઢીઓમાં તપાસ

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સમગ્ર તપાસ ઝુંબેશ દરમિયાન 48 અલગ-અલગ પેઢીઓની તપાસ કરી હતી. જેમાં 9 પેઢીઓને સ્ટોરેજની અયોગ્ય વ્યવસ્થા અને સ્થળ પર ગંદકી જોવા મળતા નોટિસ આપવામાં આવી હતી.

662 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

તપાસ દરમિયાન કુલ 662 કિલો અખાદ્ય ખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થા અંગે કડક સૂચનાઓ આપી હતી. ગ્રાહકોને પણ ઓનલાઈન અથવા અન્ય માધ્યમથી ખાદ્યચીજો ખરીદતી વખતે ગુણવત્તા અને તાજગી અંગે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.