PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 7 ઓક્ટોબરે ગુજરાતભરમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. આ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
સવારે PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
7 ઓક્ટોબરે સવારે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે અને ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આ કાર્યક્રમ યોજાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ સ્થળોએ મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
સભા બાદ સેવા જ્યોતિ કળશ યાત્રા
વિકસિત ભારત સંકલ્પ સભા પૂર્ણ થયા બાદ ગુજરાતના જિલ્લા અને મહાનગરોના નિર્ધારિત સ્થળોએ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ શરૂ કરવામાં આવશે. PM મોદીના સંબોધનના લાઇવ પ્રસારણ બાદ સ્થાનિક આગેવાનો દ્વારા સેવા જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવશે અને ત્યારબાદ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રાનો હેતુ 25 વર્ષના જાહેર જીવનને નિમિત્ત બનાવી સેવા અને જનભાગીદારી સાથે જોડાયેલા કાર્યક્રમો યોજવાનો છે.
વડનગરમાં ભવ્ય સમાપન કાર્યક્રમ
17 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાનના વિવિધ કાર્યક્રમો અંતર્ગત વડનગર અને વારાણસી સાથે જોડાયેલી યાત્રાઓનું 7 ઓક્ટોબરે સમાપન થવાનું છે. વડનગરમાં સાંજે 4 વાગ્યે સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે.
વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન
સેવા સંકલ્પ અભિયાન દરમિયાન રાજ્યમાં વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, જળ સંરક્ષણ, ગૌસેવા અને વૃદ્ધાશ્રમોમાં સેવા સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબરના કાર્યક્રમો સાથે ગુજરાતમાં PM મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

