ટાંકી બની જ નહીં, બિલ પહોંચી ગયું!

સરકારી વિકાસકાર્યમાં કાગળ પર કામ બતાવીને નાણાંની ગેરરીતિ કરવાનો ચોંકાવનારો કિસ્સો પાલીતાણા હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ થયું જ ન હોવા છતાં ₹50.43 લાખનું બિલ મંજૂરી માટે વડી કચેરી સુધી મોકલવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આરોગ્ય મંત્રીની મુલાકાતથી ખુલ્યો ભાંડો

તાજેતરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દરમિયાન મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા ન મળતાં સમગ્ર મામલે શંકા ઉપજી હતી. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં સ્થળ પર ટાંકીનું એક ઈંચ પણ કામ થયું ન હોવાનું સામે આવ્યું હતું, છતાં તેના સંપૂર્ણ કામનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

બે ઈજનેર સામે FIR અને સસ્પેન્શન

મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. વીડિયો કોન્ફરન્સ મારફતે પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બોગસ બિલની પ્રક્રિયામાં સંડોવણીના આક્ષેપો વચ્ચે ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી. કાલીયા સામે ક્રિમિનલ પોલીસ ફરિયાદ નોંધાવવાના આદેશ આપવામાં આવ્યા છે. બંનેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

કોન્ટ્રાક્ટર સામે પણ મોટી કાર્યવાહી

આ પ્રકરણમાં સંડોવાયેલી સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. એક તરફ સ્થળ પર કામ જ ન થયું હોય અને બીજી તરફ લાખો રૂપિયાનું બિલ વડી કચેરી સુધી પહોંચી ગયું હોવાના મામલે વિભાગીય ચકાસણી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

કાગળ પર કામ બતાવવાના ખેલ સામે સવાલ

પાલીતાણા હોસ્પિટલના આ કિસ્સાએ સરકારી કામોની ચકાસણી અને સુપરવિઝન સિસ્ટમ સામે સવાલો ઊભા કર્યા છે. ટાંકીનું કામ થયું જ ન હોવા છતાં બિલ મંજૂરીની પ્રક્રિયા સુધી પહોંચ્યું તે દર્શાવે છે કે કામની સ્થળ તપાસમાં ગંભીર ખામી રહી હોવાની શક્યતા છે. હવે આ સમગ્ર મામલે વધુ તપાસમાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને બોગસ બિલની પ્રક્રિયા કેવી રીતે આગળ વધી તે બહાર આવવાની રાહ છે.