હાઈવે સલામતી મુદ્દે હાઈકોર્ટનો કડક વલણ
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં હાઈવે સલામતી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) સામે કડક નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈવેનું નિર્માણ માત્ર રસ્તો બનાવવાથી પૂર્ણ થતું નથી, પરંતુ વાહનચાલકોની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
ફેન્સિંગ અને ટ્રોમા સેન્ટર અંગે નિર્દેશ
હાઈકોર્ટે નવા હાઈવેની બંને બાજુ મજબૂત ફેન્સિંગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી રખડતા ઢોર અને શ્વાન હાઈવે પર આવી અકસ્માત સર્જે નહીં. સાથે જ અકસ્માત સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ટ્રોમા સેન્ટર અને ફર્સ્ટ એઇડ સેન્ટરની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી છે.
ટોલ લો છો તો સુવિધા પણ આપો
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે NHAI હાઈવે પર ઊંચો ટોલ વસૂલે છે, પરંતુ તે મુજબની સુરક્ષા અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહ્યું છે. કોર્ટે આ મુદ્દે સખત ટકોર કરતાં કહ્યું કે જાહેર સુવિધાઓ અને સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ.
રાજ્ય સરકાર અને NHAIને જવાબ રજૂ કરવાનો આદેશ
રખડતા શ્વાન અને હાઈવે સલામતીને લગતી સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને NHAI બંનેને યોગ્ય જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ આગામી હાઈવે પ્રોજેક્ટમાં સલામતી સંબંધિત તમામ જોગવાઈઓને ડિઝાઇનનો અભિન્ન ભાગ બનાવવા સૂચના આપી છે.

