ત્રીજી વખત પૂરનો કહેર

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે જિલ્લામાં ત્રીજી વખત ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૂત્રો અનુસાર એક લાખથી વધુ લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે.

નવસારી શહેરનો 30 ટકા વિસ્તાર પાણીમાં

પૂર્ણા નદીનું પાણી શહેરમાં ફરી વળતાં નવસારી શહેરનો અંદાજે 30 ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. છેલ્લા 12 કલાકથી શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ છે. અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભેંસત ખાડા, દશેરા ટેકરી, કાછીયાવાડી, રંગુન નગર, હિદાયત નગર, રિંગ રોડ, શાંતાદેવી રોડ, બંદર રોડ, જલાલપોર અને કાશીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 3,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી શહેરમાં 18 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ભરતીને કારણે બપોર સુધી પાણીનું સ્તર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીલીમોરામાં પણ વિકટ સ્થિતિ

કાવેરી અને અંબિકા નદીઓમાં આવેલા પૂરને કારણે બીલીમોરા શહેરનો અંદાજે 40 ટકા વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. અહીં પણ આ વર્ષે ત્રીજી વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 2,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. બંદર રોડ, વાડિયા શિપયાર્ડ, ઓરિયા-મોરિયા, દેસરા, ધોબી તળાવ અને આઈસ ફેક્ટરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે.