ફૂટપાથ પર સૂતેલા લોકો પર કાળ બનીને ત્રાટકી SUV
અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેફામ ગતિએ દોડતી ફોર્ચ્યુનર કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. શેલબી હોસ્પિટલથી ડી-માર્ટ તરફ જવાના માર્ગ પર દેવસ્ય સ્કૂલ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને એક સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દેવસ્ય સ્કૂલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
મળતી વિગતો પ્રમાણે, નિકોલમાં દેવસ્ય સ્કૂલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ફૂટપાથ પર નિરાંતે સૂતેલા લોકો પર અચાનક ફોર્ચ્યુનર કાર ફરી વળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્તોને જોઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મહિલા અને સગીરનાં મોત, ત્રીજી વ્યક્તિની હાલત ગંભીર
અકસ્મતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક મહિલા અને એક સગીરનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજી વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કારચાલક વિરલ ચૌધરી સામે ગુનો
આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા નાના ચિલોડાના વિરલ સવજીભાઈ ચૌધરી સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે. આરોપીની ઉંમર 36 વર્ષ હોવાનું જણાવાયું છે. પોલીસ દ્વારા તેની અટકાયત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કારમાંથી બિયરનાં કેન મળતાં નશાનો એંગલ
અકસ્મત બાદ પોલીસે ફોર્ચ્યુનર કારની તપાસ કરતાં અંદરથી બિયરનાં કેન મળી આવ્યાં હતાં. આથી કારચાલકે નશાની હાલતમાં વાહન ચલાવ્યું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીના બ્લડ સેમ્પલ FSL પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, બિયરનાં કેન મળી આવ્યાં હોવા માત્રથી ડ્રાઇવર નશામાં હતો તે સાબિત થતું નથી. FSL રિપોર્ટ બાદ જ આ મામલે સ્પષ્ટતા થઈ શકશે.

