મકાઈની આડમાં ડ્રગ્સનો મોટો ખેલ
મકાઈની સામાન્ય કૃષિ કોમોડિટીની આડમાં 56 કિલો મેથમફેટામાઈનની તસ્કરી કરવાનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ન્હાવાશેવા પોર્ટ પર ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને મકાઈની ગુણીઓમાંથી આ નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. આ કન્સાઇનમેન્ટ સાઉદી અરેબિયા મોકલવાનું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
351 ગુણીઓમાંથી મળી 56 કિલો ડ્રગ્સ
16 અને 17 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલા ઓપરેશનમાં DRI અધિકારીઓએ ન્હાવાશેવા પોર્ટ પર એક નિકાસ કન્સાઇનમેન્ટની તપાસ કરી હતી. કન્સાઇનમેન્ટમાં મકાઈની કુલ 351 ગુણીઓ હતી. તેમાંથી એકમાં મકાઈ સાથે પાવડર સ્વરૂપનું મેથમફેટામાઈન એવી રીતે ભેળવવામાં આવ્યું હતું કે સામાન્ય કૃષિ માલની આડમાં તેની તસ્કરી કરી શકાય.
નિકાસકાર અને ફ્રેટ ફોરવર્ડર ઝડપાયા
DRIની તપાસમાં કન્સાઇનમેન્ટ સાથે સંકળાયેલા નિકાસકાર અને ટ્રાન્સપોર્ટર/ફ્રેટ ફોરવર્ડરની ઓળખ થઈ હતી. આરોપીઓ વિદેશી ખરીદદાર સાથે કન્સાઇનમેન્ટના પરિવહન અને કસ્ટમ્સ ક્લિયરન્સ માટે સંકલન કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. તસ્કરીના પ્રયાસમાં તેમની કથિત ભૂમિકાને આધારે બંને સામે NDPS એક્ટ, 1985 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મકાઈ સાથે ડ્રગ્સ ભેળવવાનો કીમિયો નિષ્ફળ
તસ્કરોએ નશીલા પદાર્થને સામાન્ય કૃષિ કોમોડિટી તરીકે દર્શાવીને કસ્ટમ્સ તપાસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે DRIની ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી અને ઝીણવટભરી તપાસના કારણે સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો. હવે તપાસમાં મેથમફેટામાઈનનો સ્ત્રોત અને આ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા શોધવામાં આવી રહી છે.
મેથમફેટામાઈન કેટલું જોખમી?
મેથમફેટામાઈન એક શક્તિશાળી સિન્થેટિક સાયકોસ્ટીમ્યુલન્ટ છે. તેનો ગેરકાયદે ઉપયોગ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો, ગંભીર માનસિક અસરો, પેરાનોઇયા અને સાયકોસિસ જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. લાંબા સમયના ઉપયોગથી ડ્રગ પર નિર્ભરતા અને ગંભીર શારીરિક-માનસિક નુકસાનનું જોખમ રહે છે.

