ક્રૂડના ભાવમાં ભડકો, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ
મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને વધતા તણાવની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર પણ દેખાવા લાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $95ના સ્તરે પહોંચતા સુરતના મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. કાચા તેલના ભાવમાં વધારાની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતા કેટલાક મહત્વના કાચા માલના ભાવ પર પડી રહી છે.
PTA અને MEGના ભાવમાં દબાણ
પોલિએસ્ટર યાર્નના ઉત્પાદન માટે જરૂરી PTA અને MEGના ભાવ ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ સાથે સીધા જોડાયેલા હોવાથી ભાવવધારો અને સપ્લાય સંબંધિત દબાણ ઊભું થયું છે. કાચા માલનો ખર્ચ વધતા સુરતના વણકરો એટલે કે વીવર્સ માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. પરિણામે સ્પર્ધાત્મક બજારમાં ટકી રહેવાનો પડકાર પણ વધી રહ્યો છે.
SGCCIની કેન્દ્ર પાસે મોટી માંગ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહને પત્ર લખીને તાત્કાલિક રાહતની માંગ કરવામાં આવી છે. ચેમ્બરે ટેક્સટાઇલ ઉદ્યોગને વધતા કાચા માલના ખર્ચમાંથી રાહત આપવા માટે PTA, MEG તેમજ DTY, POY અને FDY પર બેસિક કસ્ટમ ડ્યુટી (BCD)માં છૂટ આપવાની રજૂઆત કરી છે.
તહેવારોની સિઝન પહેલાં ચિંતા
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખાસ કરીને તહેવારોની સિઝન દરમિયાન મોટા પાયે ઉત્પાદન અને વેપાર કરે છે. ઉદ્યોગકારોના મતે, જો કાચા માલના ભાવમાં વધારો યથાવત રહે અને કસ્ટમ ડ્યુટીમાં રાહત ન મળે તો આગામી તહેવારોની સિઝનમાં ઉત્પાદન ખર્ચ અને માર્કેટ પર ગંભીર અસર પડી શકે છે.
હવે સરકારના નિર્ણય પર નજર
એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને બીજી તરફ સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગના વધતા ખર્ચ વચ્ચે હવે ઉદ્યોગકારોની નજર કેન્દ્ર સરકારના નિર્ણય પર છે. SGCCIની કસ્ટમ ડ્યુટીમાં રાહતની માંગને સરકાર કેટલો પ્રતિસાદ આપે છે, તેના પર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની આગામી સ્થિતિનો ઘણો આધાર રહેશે.

