દૂધના નામે નકલીવાડાનો ખેલ

જૂનાગઢના ખડીયા ગામે પોલીસે દરોડો પાડી નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આશરે 50 લિટર નકલી દૂધ મળી આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પામ ઓઈલ અને મિલ્ક પાવડરથી બનાવાતું હતું દૂધ

પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી પામોલીન ઓઈલના 3 ડબ્બા, મિલ્ક પાવડર અને અન્ય સામગ્રી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ સામગ્રીનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની સામે આવ્યું છે.

50 લિટર નકલી દૂધ ઝડપાયું

પોલીસે કાર્યવાહી દરમિયાન આશરે 50 લિટર નકલી દૂધ જપ્ત કર્યું છે. નકલી દૂધ બનાવવામાં કેમિકલ સહિતના પદાર્થોનો ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જપ્ત કરાયેલા દૂધ અને અન્ય સામગ્રીના નમૂનાઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દૂધ ક્યાં વેચાતું હતું તેની તપાસ

આરોપી કેટલા સમયથી નકલી દૂધ બનાવતો હતો અને આ દૂધ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.