GUJCTOC કેસ બાદ ફરી ચોરીના નેટવર્કમાં જોડાયો
વડોદરામાં ચોરીના ગુનાઓ સામે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન ગુરમુખસિંગ સહિત ત્રણ આરોપીને ડ્રોન કેમેરાની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ GUJCTOCના ગુનામાં જેલમાં ગયા બાદ જામીન પર બહાર આવેલા ગુરમુખસિંગે ફરી ચોરીના નેટવર્કમાં જોડાઈ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી કુલ રૂ.4.68 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી ચોરી
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરફોડ ચોરી કરતી ગેંગ સામે અગાઉ GUJCTOC હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગનો સભ્ય ગુરમુખસિંગ કલ્લુસિંગ બાવરી 8 એપ્રિલે જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી ચોરીના નેટવર્ક સાથે જોડાયો હોવાની પોલીસને માહિતી મળી હતી.
છ જેટલા ગુનામાં સંડોવણી
પોલીસ તપાસમાં છેલ્લા પાંચ મહિનામાં થયેલા છ જેટલા ચોરીના ગુનાઓમાં ગુરમુખસિંગની સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે. અગાઉ ઘરફોડ ચોરી કરતી ગેંગના ચાર સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં એક સગીરનો પણ સમાવેશ હતો. તેમની પૂછપરછ દરમિયાન કુલ 17 જેટલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો અને તેમાં કેટલાક ગુનાઓમાં ગુરમુખસિંગની સંડોવણી સામે આવી હતી.
ડ્રોનથી રાખવામાં આવી નજર
વડોદરા અને આણંદના આશરે 17 ગુનાઓમાં વોન્ટેડ ગુરમુખસિંગને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ રાખી રહી હતી. જોકે તે વારંવાર પોતાનું લોકેશન બદલતો હોવાથી પોલીસ માટે તેને ઝડપી પાડવો પડકારરૂપ બન્યો હતો. બાદમાં તે ખોડિયાર નગરના સંતોષી નગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરૂ કર્યું હતું.
ત્રણ આરોપી ઝડપાયા
ડ્રોન સર્વેલન્સ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુરમુખસિંગ કલ્લુસિંગ બાવરી સાથે દશરથ દિલીપ મારવાડી અને કિરપાલસિંગ જૂનીને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન ચોરીનો રૂ.4.68 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હવે ત્રણેય આરોપીઓની પૂછપરછમાં અન્ય ચોરીના ગુનાઓ અને નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે છે કે નહીં તે તપાસનો વિષય છે

