જાફરાબાદમાં જુગારધામ પર SMCનો દરોડો

અમરેલીના જાફરાબાદ નજીક વાપાળીયા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડ્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ, ગંજીપત્તા અને વાહનો સહિત કુલ રૂ.3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખુલ્લી જગ્યામાં ચાલી રહ્યો હતો જુગાર

SMCના જણાવ્યા મુજબ વાપાળીયા વિસ્તારમાં એક રહેણાંક મકાન નજીકની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઈ જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પીઆઈ આર.કે. કરમટાની ટીમે વોચ ગોઠવી અને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 15 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા.

રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડામાં સ્થળ પરથી રૂ.1,61,600 રોકડ, ગંજીપત્તા, મોબાઇલ ફોન તેમજ ત્રણ વાહનો મળી કુલ રૂ.3,28,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ 15 શખ્સો સામે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ચાલતું હોવાની ચર્ચા હતી. ખાસ કરીને શ્રમિકો અને ખેડૂતો અહીં પૈસાની હારજીતનો જુગાર રમવા આવતા હોવાનો દાવો છે. હવે SMCએ સરાજાહેર ચાલતો જુગારનો અડ્ડો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

SMCના દરોડાથી તંત્રમાં ફફડાટ

રાજ્યમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે SMCની કાર્યવાહી વચ્ચે જાફરાબાદમાં થયેલા આ દરોડાથી સ્થાનિક સ્તરે પણ ચકચાર મચી છે. હવે સવાલ એ છે કે જો આ સ્થળે લાંબા સમયથી જુગાર ચાલતો હતો તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ? આ મુદ્દે સ્થાનિક તંત્રની કામગીરી પણ ચર્ચામાં આવી છે.