ભારે વરસાદ બાદ હવે મળશે રાહત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. ભારત હવામાન વિભાગ (IMD) મુજબ રાજ્યમાં આજથી ભારે વરસાદનું જોર ઘટશે, જોકે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા યથાવત રહેશે.
13 જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત
હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ જ્યારે સ્થાનિક સ્તરે ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ચાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય
અરબી સમુદ્રમાં સક્રિય રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. તેના કારણે અતિભારે વરસાદની સંભાવના ઘટી છે, પરંતુ રાજ્ય પર હજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
માછીમારો માટે મહત્વની સૂચના
દરિયામાં તેજ પવન અને ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

