ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

ગુજરાતમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ શરૂ થવાનો છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 27 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

મહીસાગર, દાહોદ અને પંચમહાલ માટે રેડ એલર્ટ

23 અને 24 જુલાઈ દરમિયાન મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા

અમદાવાદ, સુરત, ભરુચ, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, બોટાદ અને અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

129 તાલુકામાં વરસાદ નોંધાયો

22 જુલાઈના સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 129 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.