ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 261.59 મિમી એટલે કે કુલ મોસમી સરેરાશના 28.78 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ કહેર વરસાવ્યો છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના પારડીમાં 8.19 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

રાજ્યના ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 43.36 ટકા વરસાદ નોંધાયો છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પારડી, ખેરગામ, વાપી, નાનાપોંઢા અને વલસાડમાં ભારે વરસાદ વરસ્યો છે.

નર્મદા સહિત 27 ડેમ પર એલર્ટ

સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ 67.77 ટકા ભરાઈ ગયો છે, જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. હાલમાં 6 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે કુલ 27 ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 12 ડેમ હાઈ એલર્ટ પર છે અને દમણગંગા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાહત કામગીરી અને માર્ગ વ્યવહાર પર અસર

ભારે વરસાદને પગલે રાજ્યમાં 11 NDRF અને 24 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 8,324 લોકોનું સ્થળાંતર અને 3,711 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ ભારે વરસાદને કારણે 224 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ અસર વલસાડ અને નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે.

ખેડૂતો માટે સારા સમાચાર, પરંતુ માછીમારોને ચેતવણી

સારા વરસાદને કારણે રાજ્યમાં 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગે 21થી 24 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલ-અરવલ્લી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.