ગુજરાતમાં વરસાદનું અસમાન ચિત્ર
ગુજરાતમાં ચોમાસાની વિદાયને હવે લગભગ એક મહિનો બાકી છે, ત્યારે રાજ્યમાં વરસાદનું અસમાન ચિત્ર સામે આવ્યું છે. 17 ઓગસ્ટના સવારના 6 વાગ્યા સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 74.49 ટકા વરસાદ નોંધાયો છે. એક તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ યથાવત છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100% પાર
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે. નવસારીમાં 120.94 ટકા, વલસાડમાં 113.51 ટકા અને સુરતમાં 105.10 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 37 તાલુકામાં અત્યાર સુધીમાં 1569 મીમીથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
દ્વારકામાં માત્ર 6.41% વરસાદ
બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ ચિંતાજનક છે. 17 ઓગસ્ટ સુધીમાં દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.41 ટકા, પોરબંદરમાં 17.89 ટકા, કચ્છમાં 29.25 ટકા અને જામનગરમાં 28.88 ટકા વરસાદ નોંધાયો છે. રાજકોટમાં 46.85 ટકા અને ગીર સોમનાથમાં 46.38 ટકા વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ઘટ
વરસાદની ઘટ માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ પૂરતી મર્યાદિત નથી. અરવલ્લીમાં 45.87 ટકા અને સાબરકાંઠામાં 46.46 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં 17 ઓગસ્ટ સુધીમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું આંકડામાં સામે આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સ્થળાંતર અને રેસ્ક્યૂ
ભારે વરસાદ અને વરસાદી પૂરની અસરને કારણે 1 જૂનથી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 19 જિલ્લાઓમાંથી 84,318 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 24 જિલ્લાઓમાંથી 9,822 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તેમાં નવસારી, વલસાડ અને સુરતનો મોટો હિસ્સો છે. આ ત્રણ જિલ્લાઓમાંથી જ 68,266 લોકોનું સ્થળાંતર અને 7,412 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આગામી એક મહિનો મહત્વનો
છેલ્લા 24 કલાક દરમિયાન પણ રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં વરસાદનું જોર રહ્યું હતું. હવે ચોમાસાની વિદાયને આશરે એક મહિનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં પડનારો વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની વરસાદની ઘટ કેટલી હદે પૂરી કરે છે, તેના પર સૌની નજર રહેશે.
નોંધ: ઉપરોક્ત આંકડા 17 ઓગસ્ટ 2026ના સવારના 6 વાગ્યા સુધીના SEOC, ગાંધીનગરના આંકડા મુજબ છે.

