CG રોડ પર પાર્કિંગની નવી વ્યવસ્થા

અમદાવાદના સૌથી વ્યસ્ત માર્ગોમાં સામેલ CG રોડ પર હવે આડેધડ પાર્કિંગને રોકવા માટે સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધી 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ પાર્કિંગ સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ રસ્તા પર બેફામ પાર્કિંગ ઘટાડવાની સાથે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે.

280 સ્લોટ, માત્ર ફોર-વ્હીલર માટે

નવી વ્યવસ્થા ફોર-વ્હીલર વાહનો માટે લાગુ કરવામાં આવી છે. વાહનચાલકોએ પોતાના વાહનને માત્ર નિર્ધારિત સ્માર્ટ પાર્કિંગ સ્લોટમાં જ પાર્ક કરવાનું રહેશે. વાહન સ્લોટમાં પાર્ક થતાં જ સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર સક્રિય થશે અને વાહનને સુરક્ષિત રીતે લોક કરશે.

QR કોડ સ્કેન કરો અને પાર્કિંગ ફી ભરો

પાર્કિંગનો સમય પૂરો થયા બાદ સિસ્ટમ દ્વારા સમયની ગણતરી કરવામાં આવશે. વાહન બહાર કાઢતા પહેલાં ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવવાની રહેશે. દરેક પાર્કિંગ સ્લોટ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ચુકવણી કરી શકાશે. એટલે કે આ સિસ્ટમમાં કેશ પેમેન્ટની સુવિધા નહીં હોય.

પેમેન્ટ બાદ જ ખુલશે ફ્લેપ બેરિયર

પાર્કિંગ ફીની ચુકવણી સફળ થયા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે અને વાહનચાલક પોતાનું વાહન બહાર કાઢી શકશે. આ સમગ્ર પ્રક્રિયાને ઓટોમેટિક રાખવામાં આવી છે, જેથી પાર્કિંગ વ્યવસ્થામાં પારદર્શિતા અને સુવિધા બંને જળવાઈ રહે.

મદદ માટે કર્મચારીઓ પણ તૈનાત

નવી સિસ્ટમ શરૂ થતાં વાહનચાલકોને શરૂઆતમાં મુશ્કેલી ન પડે તે માટે AMC દ્વારા યુનિફોર્મ અને આઈકાર્ડ સાથે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વાહનચાલકોને સ્લોટનો ઉપયોગ, પાર્કિંગ અને પેમેન્ટની પ્રક્રિયા સમજાવવામાં મદદ કરશે.

સ્લોટની બહાર પાર્કિંગ કર્યું તો દંડ

સ્માર્ટ પાર્કિંગની સાથે નિયમોનું પાલન કરાવવાનું પણ મહત્વનું રહેશે. નિયત પાર્કિંગ સ્લોટ સિવાય વાહન પાર્ક કરવા બદલ દંડની જોગવાઈ કરવામાં આવી છે. આથી CG રોડ પર રસ્તાની સાઈડમાં થતું આડેધડ પાર્કિંગ ઘટે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેવી આશા છે.

અમદાવાદમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તરફ પગલું

CG રોડ પર શરૂ કરાયેલી આ વ્યવસ્થા અમદાવાદમાં વધુ વ્યવસ્થિત પાર્કિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ તરફનું મહત્વનું પગલું છે. જો સિસ્ટમ સફળ રહે તો શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ આવી સ્માર્ટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી શકે છે.