ખેડૂતોની મહારેલીથી બનાસકાંઠામાં ગરમાયું વાતાવરણ
બનાસકાંઠામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂત અધિકાર મહારેલી યોજાઈ. પાલનપુરના જોડનાપુરા નજીક મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો એકઠા થયા હતા. ખેડૂતો દ્વારા રિસરવે, ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ, બટાકાની સબસિડી સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.
વિવિધ માંગણીઓ સાથે ખેડૂતોની કૂચ
જોડનાપુરા ખાતે મહાસભા યોજાયા બાદ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. ખેડૂતો દ્વારા બનાસ નદીને નર્મદાની મુખ્ય કેનાલ સાથે જોડવાની માંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ સહિતના વિવિધ પ્રશ્નો અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરી પહોંચતા મામલો ગરમાયો
ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે તેઓ અગાઉથી કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જાણ કરી ચૂક્યા હતા. જોકે તેમને એક કલાક બેસવા માટે કહેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
જાહેર માર્ગ પર ચક્કાજામ
ખેડૂતોના રોષ વચ્ચે કોઝી વિસ્તાર નજીક જાહેર માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર અને ખેડૂતો વચ્ચે સ્થિતિ વધુ ગંભીર બની હતી. આ દરમિયાન જિલ્લા SPએ વચ્ચે પડી ખેડૂતો સાથે વાતચીત કરી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યું આવેદન
આખરે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પોતે ખેડૂતો વચ્ચે પહોંચ્યા હતા. કલેક્ટરે ખેડૂતોની રજૂઆત સાંભળી અને તેમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું. વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવી હતી.
ખેડૂતોના પ્રશ્નો પર હવે તંત્રની કાર્યવાહી પર નજર
ખેડૂત અધિકાર મહારેલી દરમિયાન રિસરવે, બટાકાની સબસિડી, ટ્રોલી પાર્કિંગ, બનાસ નદીને નર્મદા મુખ્ય કેનાલ સાથે જોડવા અને ટોલ ટેક્સમાંથી મુક્તિ સહિતના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. હવે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અંગે તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.

