આસ્થા સામે વહીવટની નવી ચર્ચા
અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બરની ટોચ પર થતી વિવિધ ધાર્મિક સેવાઓ માટે દાન-ભેટના નવા નિર્ધારિત દર જાહેર કર્યા બાદ વિવાદ ઊભો થયો છે. આ નિર્ણય સામે અનેક ભક્તોએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો માહોલ જામ્યો છે.
ધાર્મિક સેવાઓ માટે નક્કી કરાયા દર
ટ્રસ્ટના નવા નિયમ મુજબ ધ્વજારોહણ માટે રૂ. 2,100, સાંજની વિશેષ ધ્વજા માટે રૂ. 5,100, આનંદ ગરબા ધૂન માટે રૂ. 1,500, અન્નકૂટ માટે રૂ. 2,500 અને ફૂલના શણગાર માટે રૂ. 5,100 ચૂકવવાના રહેશે. ટ્રસ્ટના આ નિર્ણય બાદ અનેક શ્રદ્ધાળુઓએ તેને આસ્થા સાથે જોડાયેલા મુદ્દે યોગ્ય ન ગણાવ્યો.

સંતો અને ભક્તોએ નોંધાવ્યો વિરોધ
ચિત્રકૂટના સંત મોહનદાસ અને કાનપુરના શ્રદ્ધાળુ અજમેર સિંહે જણાવ્યું કે ભક્તો માતાજીના દર્શન માટે શ્રદ્ધાથી આવે છે અને ભજન-કીર્તન કે ધાર્મિક સેવાઓ માટે નિશ્ચિત રકમ વસૂલવી યોગ્ય નથી. સ્થાનિક ધાર્મિક આગેવાન સુનિલભાઈ બ્રહ્મભટ્ટે પણ સ્વૈચ્છિક દાનની પરંપરા જાળવવાની માંગ કરી છે.
ટ્રસ્ટે આપી સ્પષ્ટતા
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે આ દરો ભક્તોની સુવિધા, સુવ્યવસ્થિત આયોજન અને ધાર્મિક વિધિઓને નિયમિત બનાવવા માટે નક્કી કરવામાં આવ્યા છે. દાનની તમામ રકમ ટ્રસ્ટના સત્તાવાર ખાતામાં જમા થઈ મંદિરના વિકાસ અને જાળવણી માટે પારદર્શક રીતે ઉપયોગમાં લેવાશે તેમ પણ તેમણે જણાવ્યું.
વિવાદ યથાવત
ટ્રસ્ટની સ્પષ્ટતા છતાં ભક્તોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. હવે આ નિર્ણયને ટ્રસ્ટ યથાવત રાખે છે કે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ ફેરફાર કરે છે, તેના પર સૌની નજર છે.

