અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના પાવન દિવસે ભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી. સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો હવે અંતિમ ચરણમાં પહોંચતા સમગ્ર અંબાજી જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

હર્ષ સંઘવીએ ચઢાવી ધજા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને પોલીસ પરિવાર તરફથી ધજા ચઢાવી હતી. મેળા દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તેમણે પ્રશંસા કરી હતી.

40 લાખથી વધુ ભક્તોના દર્શન

મેળાના છ દિવસ દરમિયાન 40 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હોવાનું જણાવાયું છે. માત્ર છઠ્ઠા દિવસે જ 3.72 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. મેળા દરમિયાન કુલ 42થી 45 લાખ ભક્તો દર્શન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

પ્રસાદ અને ભંડારમાં પણ મોટી સંખ્યા

મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી ₹29,63,582ની આવક નોંધાઈ હતી, જ્યારે છ દિવસની કુલ આવક ₹1,83,10,515 થઈ હતી. આ ઉપરાંત છઠ્ઠા દિવસે 2,63,657 મોહનથાળના પેકેટનું વિતરણ થયું હતું અને છ દિવસમાં કુલ 28.90 લાખ પેકેટ ભક્તોને આપવામાં આવ્યા હતા.

પોલીસને કડક કાર્યવાહીનો સંદેશ

હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પોલીસનો ગુનેગારોમાં કાયદાનો હાઉ રહે અને સામાન્ય નાગરિકો માટે પોલીસ મિત્ર તથા માર્ગદર્શક બનીને કાર્ય કરે તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો. ભાદરવી પૂનમના અંતિમ દિવસે અંબાજીમાં ભક્તોની ભારે હાજરી વચ્ચે મેળાનો માહોલ ભક્તિમય રહ્યો હતો.