વિકાસકામોની ગુણવત્તા પર AMCની ચાંપતી નજર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસકામોમાં હવે ક્વોલિટી કંટ્રોલ વધુ કડક બનશે. રોડ-રસ્તા, બ્રિજ, બિલ્ડિંગ, પાણી, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ સહિતના કામોમાં સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તપાસ માત્ર કામ પૂર્ણ થયા બાદ નહીં, પરંતુ કામ શરૂ થવાથી લઈને લોકાર્પણ સુધીના તબક્કે કરવામાં આવશે.
પૂર્વ જાણ વગર ટીમ પહોંચશે
AMC દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ ક્વોલિટી કંટ્રોલ ટીમ કોઈ પૂર્વ જાણ કર્યા વિના કામના સ્થળે પહોંચી શકે છે. ટીમ દ્વારા QAP, ટેન્ડરમાં નક્કી કરાયેલા ટેકનિકલ સ્પેસિફિકેશન, મંજૂર ડિઝાઇન તથા લાગુ ગુણવત્તા ધોરણો પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સાથે જ વપરાતા રો મટીરિયલનો સોર્સ, ગુણવત્તા અને જરૂરી લેબોરેટરી ટેસ્ટિંગની પણ ચકાસણી થશે.
રોડથી સ્ટ્રીટલાઇટ સુધી અલગ ટીમ
પાણી પુરવઠો, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોની તપાસ માટે સંબંધિત ચીફ ઈજનેરના નિયંત્રણ હેઠળની સ્વતંત્ર ક્વોલિટી કંટ્રોલ ટીમ રહેશે. જ્યારે રોડ, બ્રિજ, બિલ્ડિંગ અને અન્ય સિવિલ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની તપાસ અલગ ટીમ કરશે. સ્ટ્રીટલાઇટ અને લાઇટિંગના કામોની ગુણવત્તા ચકાસવા માટે પણ અલગ ક્વોલિટી કંટ્રોલ ટીમ કાર્યરત રહેશે.
ખામી મળી તો 7 દિવસનો સમય
સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ટેન્ડર સ્પેસિફિકેશનથી વિસંગતતા અથવા ગુણવત્તામાં ખામી જણાશે તો 7 દિવસની અંદર સુધારાત્મક કામગીરી પૂર્ણ કરાવવાની રહેશે. જોકે સ્ટ્રક્ચરલ સેફ્ટી, ટકાઉપણું, કાર્યક્ષમતા અથવા જાહેર સલામતીને અસર કરતી ગંભીર ખામી હોય તો તેને મહત્તમ 2 દિવસમાં દૂર કરવાની રહેશે અને જરૂરી મંજૂરી વિના આગળનું કામ અટકાવી શકાય છે.
વારંવાર ખામી મળશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
દરેક ચકાસણીનો વિગતવાર ક્વોલિટી ઈન્સપેક્શન રિપોર્ટ તૈયાર થશે અને NCR રજીસ્ટર પણ જાળવવામાં આવશે. જો કોઈ કોન્ટ્રાક્ટર અથવા PMC દ્વારા વારંવાર નબળી કામગીરી અથવા નોન-કમ્પ્લાયન્સ જોવા મળશે તો કરાર મુજબ દંડનીય કાર્યવાહી થઈ શકે છે. માસિક ગુણવત્તા ચકાસણીનો અહેવાલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે. મહત્વનું એ છે કે ગુણવત્તા ચકાસણી અને ખામીઓની પૂર્તતા પૂર્ણ થયા બાદ જ સંબંધિત કામના રનિંગ બિલ અથવા ફાઇનલ બિલના પેમેન્ટની પ્રક્રિયા આગળ વધશે.

