ગીરના સાવજો હવે ગામડાં સુધી પહોંચ્યા

ગુજરાતના ગીર અભ્યારણ્યના એશિયાટિક સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત રહ્યા નથી. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામો અને રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. અનેક સ્થળોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ અને ઉનામાં સિંહોની અવરજવર

જૂનાગઢના વાણદ સોસાયટી વિસ્તારમાં સિંહો સીસીટીવીમાં કેદ થયા હતા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના ઉનાના પાતાપુરા ગામે એક સિંહ પરિવાર ખેતરમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક ખેડૂત શાંતિથી અંતર જાળવી તેમની પાછળ ચાલતો નજરે પડ્યો હતો, જેનો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

અમરેલીમાં આખલા સામે સિંહોની ટક્કર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખારી ગામે સિંહોના ટોળા અને એક આખલા વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આખલાએ હિંમતભેર સામનો કરતાં સિંહોને પાછળ હટવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજુલાના આગરિયા ગામમાં સિંહો શેરીઓમાં ફરી રહ્યા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વન વિભાગે આપી મહત્વની અપીલ

વન વિભાગ અને વન્યજીવ નિષ્ણાતોએ લોકોને સિંહ દેખાય ત્યારે ગભરાટ ન ફેલાવવા, ભીડ ન કરવા, સિંહને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવા અને તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. સિંહોના કુદરતી રહેઠાણનો વિસ્તાર વધતા માનવ અને વન્યજીવ વચ્ચે સહઅસ્તિત્વ જાળવવું અત્યંત જરૂરી બન્યું છે.