અમરેલીમાં ગમગીન માહોલ
અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરને આજે અંતિમ વિદાય આપવામાં આવી. લાંબી બીમારી બાદ 67 વર્ષની વયે તેમના અમરેલી સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. તેમના નિધનથી અમરેલી સહિત સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ હતી.
પુત્રીએ પિતાને આપી અંતિમ વિદાય
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. આ દરમિયાન તેમની પુત્રી જેનીબેન ઠુમ્મરે પિતાના પાર્થિવ દેહને કાંધ આપ્યો હતો. અંતિમ વિધિ દરમિયાન તેઓ ભાવુક બની ગયા હતા. સ્મશાનગૃહ ખાતે પુત્રી જેનીબેને જ પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
ભાજપ-કોંગ્રેસના નેતાઓની હાજરી
વીરજી ઠુમ્મરની અંતિમયાત્રામાં પક્ષભેદ ભૂલીને ભાજપ અને કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. નારણ કાછડીયા, પરેશ ધાનાણી, અતુલ કાનાણી, પ્રતાપ દુધાત, વિમલ ચુડાસમા અને અંબરીષ ડેર સહિતના નેતાઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને સમર્થકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.
સંસદથી વિધાનસભા સુધીની સફર
વીરજી ઠુમ્મરે લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન અમરેલી અને સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 2004થી 2009 દરમિયાન અમરેલી લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા. ત્યારબાદ 2017થી 2022 દરમિયાન લાઠી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. ખેડૂત નેતા તરીકે જાહેર જીવનમાં સક્રિય બનેલા ઠુમ્મરે વિવિધ સહકારી અને સંગઠનાત્મક ક્ષેત્રોમાં પણ કામગીરી કરી હતી.
રાજકીય સફરનો અધ્યાય પૂર્ણ
વીરજી ઠુમ્મરના નિધનથી અમરેલીના રાજકારણમાં એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. ખેડૂતો અને સ્થાનિક જનતાના પ્રશ્નોને લઈને તેઓ લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા. તેમની પુત્રી જેનીબેન ઠુમ્મર પણ રાજકારણમાં સક્રિય છે અને અગાઉ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.

