વિદ્યાર્થી સુરક્ષા માટે અમદાવાદમાં કડક અભિયાન
અમદાવાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને રોડ સેફ્ટીને પ્રાથમિકતા આપતાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO)એ સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. હવે શાળાએ લાયસન્સ વગર વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને અકસ્માતોની સંભાવના ઘટાડવાનો છે.
સરપ્રાઇઝ ચેકિંગમાં થશે તપાસ
DEO અને RTOના અધિકારીઓ દ્વારા અમદાવાદની શાળાઓમાં અચાનક ચેકિંગ હાથ ધરાશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે કે નહીં, હેલ્મેટ પહેર્યું છે કે નહીં અને ટ્રાફિક નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. લાયસન્સ વગર અથવા હેલ્મેટ વિના આવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને વાલીઓને પણ જાણ કરવામાં આવશે.
શાળાઓને પણ અપાઈ કડક સૂચના
જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શાળા આ મામલે બેદરકારી દાખવશે અથવા નિયમોના અમલમાં નિષ્ક્રિય રહેશે તો સંબંધિત શાળા સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન તમામ શાળાઓમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
મોટર વાહન અધિનિયમ શું કહે છે?
મોટર વાહન અધિનિયમ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના સગીર દ્વારા અથવા માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું કાયદેસર ગુનો છે. આવા કિસ્સામાં દંડ, વાહન જપ્ત કરવું, વાહનના માલિક અથવા વાલી સામે કાર્યવાહી અને અન્ય કાનૂની પગલાં લેવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

