નવરાત્રિ પહેલાં અમદાવાદ પોલીસનું મોટું જાહેરનામું
અમદાવાદમાં આગામી 11થી 20 તારીખ દરમિયાન યોજાનારી નવરાત્રિ અને દશેરાની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટ, ક્લબ, સોસાયટી અને શેરી ગરબાના આયોજકો માટે કુલ 44 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોમાં પરવાનગી સંબંધિત 12 અને આયોજન તથા વ્યવસ્થા સંબંધિત 32 નિયમોનો સમાવેશ થાય છે.
રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક
નવરાત્રિ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ નિયમ લાઉડ સ્પીકર અને માઈકના સમયને લઈને છે. પોલીસના જાહેરનામા મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક, લાઉડ સ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. 12 વાગ્યા બાદ માઈક ચાલુ રાખી શકાશે નહીં. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટની આસપાસના સાયલન્ટ ઝોનમાં પણ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ અંગે નિયંત્રણ રહેશે.
શેરી ગરબા માટે અલગ વ્યવસ્થા
બિનવ્યાવસાયિક સોસાયટી અને શેરી ગરબા માટે લાઉડ સ્પીકરની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવશે. જ્યારે ટિકિટ કે પાસ આધારિત પાર્ટી પ્લોટ અને ક્લબના વ્યાવસાયિક આયોજન માટે પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ ACP ટ્રાફિક દ્વારા મંજૂરી આપવામાં આવશે. શેરી ગરબા માટે આયોજકોએ બે મેન્ટર રાખવાના રહેશે અને પોલીસ તરફથી પણ એક અધિકારી અથવા કર્મચારીને મેન્ટર તરીકે જોડવામાં આવશે.
મહિલા સુરક્ષા અને ઓળખ ચકાસણી પર ભાર
ગરબા સ્થળે આવનાર લોકોના ઓળખ પુરાવા મેળવવા અને મહિલા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. આયોજકોએ પોલીસની શી ટીમ સાથે સંકલન કરવાનું રહેશે. કાર્યક્રમમાં પ્રવેશ માટે જરૂરી બેરિકેડિંગ, અલગ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ તેમજ સુરક્ષા વ્યવસ્થા રાખવાની રહેશે.
ટ્રાફિકથી લઈને CCTV સુધીની જવાબદારી
ગરબા સ્થળની બંને બાજુ 200 મીટરના વિસ્તારમાં ટ્રાફિક જામ અથવા અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે. કાર્યક્રમ અને પાર્કિંગ સ્થળે પૂરતા CCTV કેમેરા લગાવવાના રહેશે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે AI આધારિત કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. ફરજ બજાવતા કર્મચારીઓને આઈ-કાર્ડ આપવાનું પણ ફરજિયાત રહેશે.
નશા સામે પણ કડક વ્યવસ્થા
ગરબા સ્થળે નશાની હાલતમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. નશાખોરોને અટકાવી પોલીસને જાણ કરવા માટે બે વ્યક્તિઓની નિમણૂક કરવાની રહેશે અને તેમની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
ફાયર સેફ્ટીથી મેડિકલ સુવિધા સુધી
આયોજકોએ ઈલેક્ટ્રિક ફિટિંગ, ફાયર સેફ્ટી, સિક્યુરિટી ગાર્ડ, પાર્કિંગ અને વોલેન્ટિયર્સની વ્યવસ્થા કરવાની રહેશે. મોટી સંખ્યામાં લોકો માટે જરૂરી મેડિકલ સુવિધા અને એમ્બ્યુલન્સ માટે ઈમરજન્સી ગેટ રાખવો પડશે. શમિયાણા અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા સાથે જરૂરી સરકારી વિભાગોની લેખિત પરવાનગી પણ લેવાની રહેશે.
ગીતો અને કાર્યક્રમને લઈને પણ નિયમો
ગરબા સ્થળે અશ્લીલ અથવા ધાર્મિક લાગણી દુભાવતા ગીતો વગાડી શકાશે નહીં. VIP કે સેલિબ્રિટી આવવાના હોય તો તેની અગાઉથી પોલીસને જાણ કરવાની રહેશે. કાર્યક્રમ સ્થળે ચાર વોચટાવર ઉભા કરી વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા કરવાની રહેશે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું પણ પાલન કરવું પડશે.

