અમદાવાદમાં વરસાદી પધરામણી
રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા અને અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ
આજે અમદાવાદના એસ.જી. હાઇવે, વાડજ, થલતેજ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
નવસારી અને સુરતમાં ભારે વરસાદની અસર
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ઓવરટોપિંગ અને પાણી ભરાવાને કારણે કુલ 71 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. લિંબાયત ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પર અસર પડી છે.
અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ
અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ તેમજ કોસ્ટલ બેલ્ટના અનેક ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. દરિયો તોફાની બનવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગે કચ્છ, સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ બંને અમલમાં હોવાથી તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

