પંચનામા દરમિયાન આરોપીનો પોલીસ પર હુમલો

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપી ધર્મસિંહે પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હેબતપુર વિસ્તારમાં ઘટનાનું પંચનામું કરવા લઈ જવાયેલા આરોપીએ અચાનક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. સ્થિતિ વણસતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

પોલીસ સાથે ઝપાઝપી, કોન્સ્ટેબલને ઈજા

મળતી માહિતી મુજબ, આનંદનગર પોલીસ આરોપી ધર્મસિંહને પંચનામા માટે હેબતપુર લઈ ગઈ હતી. પંચનામા દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને રોકવા જતાં પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી, જેમાં એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું.

આરોપી અને કોન્સ્ટેબલ હોસ્પિટલમાં ખસેડાયા

પોલીસના ફાયરિંગમાં ગોળી આરોપીના પગમાં વાગતાં તે ઘાયલ થયો હતો. ત્યારબાદ આરોપી ધર્મસિંહ અને ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં JCP અને DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

હોસ્પિટલમાં માફી માગતો વીડિયો સામે આવ્યો

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપી પોલીસ સમક્ષ હાથ જોડતો અને કાન પકડીને માફી માગતો જોવા મળ્યો હતો. સામે આવેલા વીડિયોમાં આરોપી “હવે આવું નહીં કરું, એકવાર માફ કરી દો” કહીને માફી માગતો હોવાનું જોવા મળે છે. પોલીસ પર હુમલો અને ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી સામે વધુ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ધાબા પર યુવતી સાથે દુષ્કર્મનો આરોપ

આનંદનગર વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતી રાત્રિના સમયે સોસાયટીના ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર વીંટીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની ગંભીરતાને પગલે આનંદનગર પોલીસે આરોપીની શોધ માટે આશરે 10 ટીમો બનાવી હતી અને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી હતી. હવે પોલીસ પર હુમલા સહિતના મામલે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.