AUDAની બેઠકમાં મોટો નિર્ણય

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની 312મી બોર્ડ બેઠકમાં અમદાવાદ અને આસપાસના AUDA વિસ્તારમાં વિકાસને વેગ મળે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને મોટેરા વિસ્તારમાં જમીનના ઝોનમાં ફેરફાર કરવાનો નિર્ણય સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજનની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

A1 ઝોનની જમીન R1માં ફેરવાઈ

બેઠકમાં મોટેરા વિસ્તારના સર્વે નંબર અને બ્લોક નંબર 282 અ પૈકીની જનરલ એગ્રીકલ્ચર ઝોન 1 એટલે કે A1 ઝોનમાં આવેલી જમીનને રેસિડેન્શિયલ ઝોન 1 એટલે કે R1 ઝોનમાં ફેરવવા મંજૂરી આપવામાં આવી છે. આ ઝોન વેરિએશનને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 19 હેઠળ બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

સ્પોર્ટ્સ એન્ક્લેવ માટે વિકાસની તકો

સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની જમીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન ફેરફાર બાદ સ્ટેડિયમ ઉપરાંત સંબંધિત અન્ય સુવિધાઓના વિકાસ અને જરૂરી બાંધકામ માટેની તકો વિસ્તરશે. આ વિસ્તારને ભવિષ્યના મોટા રમતગમતના આયોજનોને ધ્યાનમાં રાખીને વિકસાવવાની યોજના છે.

Commonwealth Games અને Olympic આયોજન પર નજર

અમદાવાદને વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. સાથે જ ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદની દાવેદારીને ધ્યાનમાં રાખીને પણ રમતગમતની સુવિધાઓ વિકસાવાઈ રહી છે.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારોના વિકાસને વેગ

AUDA દ્વારા અમદાવાદ સાથે જોડાયેલા સેટેલાઇટ વિસ્તારોના આયોજનબદ્ધ અને સંકલિત વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મોટેરા સહિતના વિસ્તારોમાં સ્પોર્ટ્સ અને અન્ય શહેરી સુવિધાઓના વિકાસ સાથે આગામી વર્ષોમાં અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.