રિઝર્વ પ્લોટ અને ટીપી રોડ પરથી દબાણો હટાવાયાં

અમદાવાદ શહેરમાં જાહેર જગ્યાઓ અને ટીપી રોડ પરનાં દબાણો દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં દુકાનો, કાચાં-પાકાં મકાનો અને અન્ય બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. આ કામગીરીથી રિઝર્વ પ્લોટનો કબજો મેળવવાની સાથે ટીપી રોડના કેટલાક ભાગો પણ ખુલ્લા કરવામાં આવ્યા છે.

નારણપુરામાં છ કોમર્શિયલ દુકાનો દૂર

નારણપુરા વોર્ડના રન્નાપાર્ક વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 29 હેઠળ રિઝર્વ ફાઇનલ પ્લોટ નંબર 592માં કાર્યવાહી કરવામાં આવી હતી. આશરે 350 ચોરસ મીટર વિસ્તારમાં આવેલી છ પાકી કોમર્શિયલ દુકાનો દૂર કરવામાં આવી હતી. આ કામગીરી બાદ કોર્પોરેશન દ્વારા રિઝર્વ પ્લોટનો કબજો મેળવવામાં આવ્યો હતો.

રાણીપમાં 19 કાચાં-પાકાં મકાનો હટાવાયાં

રાણીપ વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 66 હેઠળ ફાઇનલ પ્લોટ નંબર 295/1માં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આશરે 2,804 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા રિઝર્વ પ્લોટમાંથી 19 કાચાં-પાકાં મકાનો દૂર કરાયાં હતાં. ત્યારબાદ પ્લોટનો કબજો કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો.

પાલડીમાં 60થી 65 મકાનો દૂર, રસ્તાનો ભાગ ખુલ્લો

પાલડીમાં ગણેશ આવાસ યોજના અને ભૂદરપુરા નજીકથી શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના 12 મીટર ટીપી રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ માર્ગ પરનાં આશરે 60થી 65 કાચાં-પાકાં ઝૂંપડાં અને મકાનો હટાવવામાં આવ્યાં હતાં. કામગીરીથી રસ્તાનો આશરે 60 મીટરનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

નવા વાડજ અને પૂર્વ ઝોનમાં પણ કાર્યવાહી

નવા વાડજમાં શાંતારામ હોલથી નિર્ણયનગર તરફ જતા 18 મીટર ટીપી રોડ પરનું આશરે 15 ચોરસ મીટરનું પાકું રેમ્પ બાંધકામ દૂર કરાયું હતું. આથી રસ્તાનો આશરે 10 મીટરનો ભાગ ખુલ્લો થયો હતો. બીજી તરફ, પૂર્વ ઝોનમાં છ શેડ દૂર કરાયા હતા. લારી, વાહન, ગાડું, વજનકાંટા, કેરેટ, ખાટલા, બોર્ડ-બેનર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 41 વાહનોને લોક મારીને અને અન્ય દબાણ સંબંધિત કાર્યવાહી હેઠળ કુલ 26,900 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.