અમદાવાદમાં વરસાદની વાપસી
લાંબા વિરામ બાદ અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. શનિવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા બફારાથી લોકોને રાહત મળી હતી. આ સાથે હવામાન વિભાગે આગામી 24 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.
82 તાલુકામાં નોંધાયો વરસાદ
18 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના ઉકાઈ અને વલસાડના નાનાપોંઢામાં આશરે 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કપરાડા, ધરમપુર, અંકલેશ્વર, ખેરગામ, માંગરોળ, દેડિયાપાડા અને ડાંગ સહિત અનેક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શ્યામલ, પાલડી, થલતેજ, બોપલ, કાંકરિયા, ખોખરા, અમરાઈવાડી અને મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર
રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી છ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

