સોશિયલ મીડિયા પર હેરાનગતિ, સાયબર બુલિંગ અને અશ્લીલ કન્ટેન્ટ સામે અમદાવાદ પોલીસની કાર્યવાહી

અમદાવાદ: સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને થતી હેરાનગતિ સામે અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. મહિલાઓને ઓનલાઈન ઉત્પીડન, સાયબર બુલિંગ અને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટથી થતી પરેશાનીથી સુરક્ષિત રાખવા માટે ‘મિશન સાયબર રક્ષિકા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11 જેટલી ફરિયાદોની તપાસ બાદ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મહિલાઓ માટે ખાસ ‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા જૂન મહિનામાં મહિલાઓની ફરિયાદો પર ઝડપી કાર્યવાહી માટે વિશેષ ‘સાયબર રક્ષિકા સ્ક્વોડ’ની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એક ઈન્સ્પેક્ટર, એક સબ-ઈન્સ્પેક્ટર અને આઠ મહિલા પોલીસ કર્મીઓ સહિત કુલ 10 સભ્યોનો સમાવેશ થાય છે. મહિલાઓ કોઈપણ સંકોચ વિના પોતાની ફરિયાદ રજૂ કરી શકે અને તેમની ફરિયાદ પર ઝડપી કાર્યવાહી થાય તે આ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

11 ફરિયાદની તપાસમાં 8 આરોપી ઝડપાયા

‘મિશન સાયબર રક્ષિકા’ અંતર્ગત મળેલી આશરે 11 ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર સોશિયલ મીડિયા મારફતે મહિલાઓને હેરાન કરવા, અશ્લીલ વીડિયો મોકલવા અને નકલી એકાઉન્ટ બનાવી પરેશાન કરવાના આક્ષેપો છે.

અંગત અદાવતથી સોશિયલ મીડિયા હેરાનગતિ સુધી

પોલીસ તપાસમાં કેટલાક કિસ્સાઓમાં પરિવારના વિવાદ, લગ્ન તોડવાના પ્રયાસો અથવા અંગત અદાવત જેવા કારણોસર મહિલાઓને નિશાન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કેટલાક આરોપીઓ Snapchat સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓ સાથે અશ્લીલ ચેટ કરતા અને બીભત્સ કન્ટેન્ટ મોકલીને પરેશાન કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અસુરક્ષિત પ્રોફાઇલને લઈને પોલીસની ચેતવણી

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે કેટલાક આરોપીઓ ભલે વધુ શિક્ષિત ન હોય, પરંતુ સોશિયલ મીડિયા અને સાયબર સર્ફિંગમાં કુશળતા ધરાવતા હતા. આવી વ્યક્તિઓ દ્વારા અસુરક્ષિત સોશિયલ મીડિયા પ્રોફાઇલનો દુરુપયોગ કરીને ગુનાઓ આચરવામાં આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મહિલાઓને પોલીસની ખાસ અપીલ

અમદાવાદ પોલીસે મહિલાઓ સહિત સામાન્ય લોકોને અજાણ્યા લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઇલ સાથે સંપર્ક ન કરવા અને ફોલોઅર્સ કે લાઇક્સ વધારવાની લાલચમાં ન ફસાવા અપીલ કરી છે. અજાણી અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવા અને માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવેલી લિંક્સનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ફરિયાદ કરનાર મહિલાની ઓળખ ગોપનીય રહેશે

પોલીસે ખાતરી આપી છે કે ઓનલાઈન હેરાનગતિનો ભોગ બનેલી મહિલાની ઓળખ ગોપનીય રાખવામાં આવશે. જો કોઈ મહિલા સોશિયલ મીડિયા પર સતત હેરાનગતિ, ધમકી, નકલી એકાઉન્ટ, સાયબર બુલિંગ અથવા અશ્લીલ કન્ટેન્ટનો ભોગ બને તો તાત્કાલિક ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદ માટે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 અથવા અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

ડિજિટલ દુનિયામાં મહિલાઓની સુરક્ષા પર ભાર

‘મિશન સાયબર રક્ષિકા’ અંતર્ગત અમદાવાદ પોલીસની કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે મહિલાઓને ઓનલાઈન હેરાન કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને સુરક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ પગલું બની રહી છે.