પેન્ટના ખિસ્સામાં સંતાડેલા સોનાના પાંચ બિસ્કિટ જપ્ત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ સોનાના જથ્થા સાથે ભરૂચના 43 વર્ષીય મુસાફરની અટકાયત કરી છે. દુબઈથી આવેલી ફ્લાઇટના આ મુસાફર પાસેથી પેન્ટના ખિસ્સામાં સંતાડેલા વિદેશી માર્કિંગ ધરાવતા સોનાના પાંચ બિસ્કિટ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 582.7 ગ્રામ અને કિંમત આશરે ₹88.97 લાખ હોવાનું જણાવાયું છે.
પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે તપાસ
9 ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે મળેલી બાતમી પર દુબઈથી આવેલા મુસાફરને તપાસ માટે અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં છુપાવેલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો.
24 કેરેટના પાંચ ગોલ્ડ બિસ્કિટ મળ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા પાંચેય બિસ્કિટ 24 કેરેટના સોનાના હતા અને તેના પર વિદેશી માર્કિંગ હતું. આ સોનાનું કુલ વજન 582.7 ગ્રામ નોંધાયું હતું. તેની બજાર કિંમત ₹88.97 લાખ આંકવામાં આવી છે.
કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી, વધુ તપાસ શરૂ
આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સોનાની આયાત સંબંધિત નિયમોના સંભવિત ભંગના સંજોગો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

