મોરૈયાના ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો

અમદાવાદ ગ્રામ્યમાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરૈયા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી રૂ.72.50 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. LCBની રેડમાં 35,199 નાની-મોટી બોટલો મળી આવતા દારૂના ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ થયો છે.

ગોડાઉનના શેડમાં છુપાવ્યો હતો દારૂ

LCBની ટીમને મળેલી બાતમીના આધારે મહાગુજારાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી શ્યામ મેટલ કંપનીના ગોડાઉનના શેડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

35 હજારથી વધુ બોટલ જપ્ત

રેડ દરમિયાન 35,199 નાની-મોટી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે ત્રણ મહિન્દ્રા બોલેરો વાહનો અને છ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આમ દારૂ સહિત કુલ રૂ.96,25,985નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

4 આરોપીઓની ધરપકડ, 9 સામે ગુનો

આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કુલ 9 શખ્સો સામે ગુનો નોંધાયો છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં:

  • દિપકસિંગ મહાલે — ધુલીયા, મહારાષ્ટ્ર

  • આનંદ રાજપુત — ધુલીયા, મહારાષ્ટ્ર

  • સુધીર પંડ્યા — શિહોર, ભાવનગર

  • અલ્પેશભાઈ મકવાણા — બોરતળાવ, ભાવનગર

પોલીસ દ્વારા હવે અન્ય પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

10 હજાર ગોડાઉન, છતાં દારૂનો જથ્થો મળ્યો

ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 10 હજાર જેટલા અલગ-અલગ ગોડાઉન આવેલા હોવાનું પોલીસનું કહેવું છે. ગોડાઉનમાં નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોવાનો પણ દાવો છે. ત્યારે થોડા દિવસ પહેલાં પોલીસ દ્વારા ગોડાઉન ચેકિંગની ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ ભરેલું ગોડાઉન LCBએ ઝડપી પાડતાં ચાંગોદર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

પોલીસ ચેકિંગ પર સવાલ

19 તારીખે ચાંગોદર વિસ્તારમાં આવેલા ગોડાઉનોનું ચેકિંગ કરવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક PSI સહિત 20 પોલીસ કર્મચારીઓને ગોડાઉન ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. બીજી તરફ ચાંગોદર પોલીસના PIનું કહેવું છે કે સનાથલ, ચાંગોદર સહિતના અનેક ગોડાઉનમાં ગયા અઠવાડિયે પણ સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ ચેકિંગ કરવામાં આવ્યું હતું. હવે LCBની આ મોટી કાર્યવાહી બાદ ગોડાઉન ચેકિંગની કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ છે.