અડધા ઇંચ વરસાદે જ ખુલી તંત્રની પોલ

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં માત્ર અડધા ઇંચ જેટલા વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરી દીધા છે. સામાન્ય વરસાદ બાદ જ ભુજ સ્ટેશન વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

સ્ટેશન વિસ્તાર બન્યો નાનું બેટ

ભારે પાણી ભરાવાના કારણે ભુજ સ્ટેશન વિસ્તાર નાના બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુસાફરો અને સ્થાનિક લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.

ચીફ ઓફિસર પણ પાણીમાંથી પસાર થયા

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ બસ સ્ટેશન વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. સ્થાનિકોના કહેવા મુજબ વર્ષોથી અનેક રજૂઆતો છતાં પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સ્થાનિકોમાં રોષ

સ્થાનિક લોકોનું કહેવું છે કે દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો જળબંબાકાર બની જાય છે. પરિણામે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને નગરપાલિકાની કામગીરી સામે રોષ વધી રહ્યો છે.