10 વર્ષની ઓળખાણ બાદ પૈસાની માંગણી
વડોદરાના માંજલપુર વિસ્તારમાં 82 વર્ષના વૃદ્ધ સાથે વિશ્વાસ કેળવી રૂ.16.33 લાખની રકમ લીધા હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વૃદ્ધના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા 10 વર્ષથી તેમની ઓળખાણમાં હતો અને જૈન મંદિરે દર્શન કરવા જવા, ઘરકામમાં મદદ કરવા તેમજ બજારના કામકાજમાં સાથે રહેતો હતો. આ રીતે બંને વચ્ચે પારિવારિક જેવા સંબંધો કેળવાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
અંગત અને વ્યવસાયિક કામ માટે પૈસા માંગ્યા
ફરિયાદ મુજબ એપ્રિલ 2023થી આરોપીએ પોતાના અંગત અને વ્યવસાયિક કામકાજ માટે પૈસાની જરૂર હોવાનું કહી રકમ માંગવાનું શરૂ કર્યું હતું. સમયસર પૈસા પરત આપવાનો વિશ્વાસ અપાતા વૃદ્ધે પોતાના અલગ અલગ બેંક ખાતામાંથી ચેક અને બેંક ટ્રાન્સફર મારફતે રૂ.15.14 લાખ આપ્યા હતા. આ ઉપરાંત રૂ.1.18 લાખ રોકડા આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
કુલ રૂ.16.33 લાખની રકમ
ફરિયાદી વૃદ્ધના જણાવ્યા પ્રમાણે ચેક, બેંક ટ્રાન્સફર અને રોકડ મળીને આરોપીને કુલ રૂ.16,33,000 આપવામાં આવ્યા હતા. નાણાં પરત મેળવવા માટે વૃદ્ધે આરોપીનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપીએ આપેલા અલગ અલગ બેંકના ચેક પણ પૈસા પરત મેળવવા માટે જમા કરાવવામાં આવ્યા હતા.
ત્રણ ચેક બાઉન્સ થયા
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ આપેલા રૂ.4.50 લાખ, રૂ.3.80 લાખ અને રૂ.8 લાખના ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા. જોકે ત્રણેય ચેક અપૂરતું બેલેન્સ એટલે કે Insufficient Fundsના કારણસર બાઉન્સ થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
પૈસા માંગતા જવાબ આપવાનું બંધ કર્યું
ચેક બાઉન્સ થયા બાદ વૃદ્ધે આરોપીનો રૂબરૂ તેમજ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ મુજબ શરૂઆતમાં યોગ્ય જવાબ ન મળ્યો અને અંતે આરોપીએ પૈસા પરત આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કથિત રીતે ધમકી આપી રકમ નહીં ચૂકવવાની વાત કરી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

