રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાતા અનેક શહેરો અને ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અંબિકા વિસ્તારમાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.06 ઇંચ નોંધાયો છે. ઉપરાંત તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ, સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘઈમાં 10.94 ઇંચ, સુરતના માંગરોળમાં 10.71 ઇંચ અને ડાંગના સુબીરમાં 10.24 ઇંચ વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં પણ વરસાદનો જોરદાર રાઉન્ડ
મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખેડાના વસોમાં 16.38 ઇંચ, નડિયાદમાં 13.43 ઇંચ, આણંદ શહેરમાં 10.67 ઇંચ, ખંભાતમાં 10.16 ઇંચ અને મહુધામાં 9.72 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
તંત્ર એલર્ટ મોડમાં
ભારે વરસાદને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતની અનેક નદીઓમાં પાણીની આવક વધી છે. સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે અને લોકોને નદી-નાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને બચાવ દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

